World

બાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીના દોષિત જાહેર, કોર્ટે ફટકારી ફાંસીની સજા!

બાંગ્લાદેશમાં એક વર્ષ પહેલા થયેલી ભીષણ હિંસાની વરસી પર દેશ ફરી એકવાર રાજકીય હિંસાની આગમાં સળગી રહ્યો છે. પૂર્વ વડાંપ્રધાન શેખ હસીના પર લાગેલા આરોપો અંગે આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાધિકરણ (ICT) આજે (સોમવારે) પોતાનો ચુકાદો સંભળાવવાનું શરૂ કરી દીધું છે. બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાને દોષિત જાહેર કરાતા તેમને ફાંસીની સજા સંભળાવી દેવામાં આવી છે. હાલમાં તેઓ ભારતમાં આશ્રય લઈ રહ્યા છે. 

જણાવી દઈએ કે, આ ચુકાદો જાહેર થાય તે પહેલા જ રાજધાની ઢાકા સિરિયલ બોમ્બ વિસ્ફોટથી ધણધણી ઉઠી છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે પોલીસે હિંસક પ્રદર્શનકારીઓને દેખતા જ ગોળી મારવાના આદેશ જારી કરી દીધા છે અને સમગ્ર દેશમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીના, પૂર્વ ગૃહ મંત્રી અસદુઝમાન ખાન કમાલ અને પૂર્વ આઈજીપી અબ્દુલ્લા અલ-મામુનને ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલે આજે (સોમવારે) ગંભીર આરોપ મૂક્યા છે. આ ત્રણેય સામે જુલાઈ-ઑગસ્ટ 2024ના વિદ્યાર્થી-આંદોલન દરમિયાન માનવતા વિરુદ્ધના ગુના બદલ ચુકાદો આપવામાં આવશે. 

આ કેસમાં પ્રોસિક્યુટર્સે 8,747 પાનાંમાં પુરાવા રજૂ કર્યા છે, જેમાં વિવિધ સંદર્ભો સાથે જપ્ત દસ્તાવેજો અને પીડિતોની વિગતવાર યાદી પણ છે. ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, આ કેસમાં ટ્રિબ્યુનલ તપાસ કરી રહી છે કે આરોપીઓએ ઉશ્કેરણી કરીને આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો કે નહીં? 

આ ત્રણેય આરોપી સામે મુખ્ય પાંચ આરોપ

ઉશ્કેરણીજનક ભાષણો અને હુમલાનો દોરીસંચાર:

શેખ હસીનાએ કથિત રીતે 14 જુલાઈ, 2024ના રોજ ઉશ્કેરણીજનક ભાષણ કર્યા હતા, જેના કારણે લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીઓના જવાનો અને તેમના પક્ષના કાર્યકરોએ જ વિદ્યાર્થીઓ-નાગરિકો પર હુમલા કર્યા હતા. 

હેલિકોપ્ટર, ડ્રોન અને સેનાનો નાગરિકો સામે ઉપયોગ કરવાનો આદેશ:

આ ત્રણેય પર દારૂગોળો, હેલિકોપ્ટર અને ડ્રોનનો ઉપયોગ કરીને પ્રદર્શનોના હિંસક રીતે ડામી દેવાનો આદેશ આપવાનો આરોપ છે. 

રંગપુરમાં અબુ સઈદની હત્યા:

16 જુલાઈ, 2024ના રોજ બેગમ રોકેયા યુનિવર્સિટીની સામે એક વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા થઈ હતી, જેનો આદેશ આપવાનો આરોપ આ ત્રણેય પર છે.

ચંખરપુલમાં છ વિદ્યાર્થીની હત્યા:

5 ઑગસ્ટ, 2024ના રોજ ઢાકામાં છ વિદ્યાર્થીની ગોળી મારી હત્યા થઈ હતી. આ ઓપરેશનનો આદેશ આપવાનો આરોપ પણ આ ત્રણેય પર છે. 

આશુલિયામાં છ પુરુષોની હત્યા અને જીવતા સળગાવી દેવાની ઘટના:

5 ઑગસ્ટ, 2024ના રોજ આશુલિયામાં છ લોકોની ગોળી મારીને હત્યા કરાઈ હતી. આ પૈકી પાંચ મૃતદેહ બાળી નાંખવામાં આવ્યા હતા, જ્યારે એકને કથિત રીતે જીવતો સળગાવી દેવાયો હતો. આ ઘટનામાં પણ દોરીસંચાર આ ત્રણેયે કર્યાનો આરોપ છે.

શેખ હસીનાએ બોમ્બ વડે હુમલો કરવાનો આદેશ આપ્યો હતો : ICT

આઈસીટીએ તેના ચુકાદામાં એ વાતની પુષ્ટી કરી છે કે નિર્દોષ દેખાવકારોની હત્યાઓ કરવામાં આવી છે. બાંગ્લાદેશના પૂર્વ ગૃહમંત્રી પણ આરોપી છે. શેખ હસીનાએ જ બોમ્બ વડે હુમલો કરવાનો આદેશ આપ્યો હતો. 400 પેજમાં ચુકાદો 

ઈન્ટરનેશનલ ટ્રિબ્યુનલે કાર્યવાહી શરૂ કરી દીધી છે. શેખ હસીના મામલે 6 પાર્ટમાં ચુકાદો સંભળાવાશે. જે 400 પેજનું છે. જસ્ટિસ ગુલામ મુર્તૂજાની આગેવાની હેઠળની ત્રણ જજોની ટ્રિબ્યુનલ ચુકાદો સંભળાવી રહી છે. 

સુનાવણી શરૂ, ચુકાદામાં વાર લાગી શકે! 

બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીના વિરુદ્ધ માનવતા વિરુદ્ધના ગંભીર આરોપોના કેસમાં ચુકાદો આવવાનો સમય આવી ગયો છે. આંતરરાષ્ટ્રીય ક્રાઈમ ટ્રિબ્યુનલ (ICT) માં કાર્યવાહી શરૂ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં ચુકાદો આવવાની અપેક્ષા છે. ન્યાયાધીશ ગુલામ મુર્તઝાની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની ટ્રિબ્યુનલ ચુકાદો આપશે. ચુકાદો આવે તે પહેલાં, આખો કેસ વાંચવામાં અને રેકોર્ડ કરવામાં આવશે. તેથી, પ્રક્રિયા લાંબી હોઈ શકે છે, અને ચુકાદામાં સમય લાગી શકે છે.

ઢાકામાં હિંસા અને તંગદિલી 

ચુકાદા પહેલા ઢાકામાં રાજકીય હિંસા ચરમસીમાએ પહોંચી ગઈ છે. રવિવારે અનેક દેશી બોમ્બ ફાટ્યા હતા. એકલા 12 નવેમ્બરે જ 32 વિસ્ફોટો થયા હતા, સાથે જ ડઝનબંધ બસોને આગ ચાંપી દેવામાં આવી હતી. પોલીસે તોડફોડના આરોપમાં શેખ હસીનાની પાર્ટી ‘અવામી લીગ’ના કાર્યકર્તાઓની અટકાયત કરી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને 400થી વધુ બોર્ડર ગાર્ડ્સ તૈનાત કરવામાં આવ્યા છે અને જાહેર સભાઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

શેખ હસીનાના દીકરાની સરકારને ખુલ્લી ચેતવણી 

દરમિયાન, શેખ હસીનાના પુત્ર અને તેમના સલાહકાર સજીબ વાઝેદે એક ઇન્ટરવ્યુમાં વર્તમાન યુનુસ સરકારને ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો તેમની પાર્ટી (અવામી લીગ) પરથી પ્રતિબંધ નહીં હટાવાય, તો તેમના સમર્થકો ફેબ્રુઆરીમાં યોજાનારી સામાન્ય ચૂંટણી પર ગંભીર અસર કરશે અને વિરોધ-પ્રદર્શનો ભારે હિંસામાં પણ ફેરવાઈ શકે છે.

અમને ચુકાદા વિશે ખબર છે… 

ચુકાદા અંગે તેમણે કહ્યું, “અમને બરાબર ખબર છે કે ચુકાદો શું આવવાનો છે. તેમને (શેખ હસીનાને) દોષિત ઠેરવવામાં આવશે અને કદાચ મોતની સજા પણ સંભળાવવામાં આવશે. તેઓ મારી માતા સાથે શું કરી શકે છે? મારી મા ભારતમા સુરક્ષિત છે. ભારત તેમને સંપૂર્ણ સુરક્ષા આપી રહ્યું છે અને એક રાષ્ટ્રાધ્યક્ષ જેવો વ્યવહાર કરી રહ્યું છે.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button