Top In Ahmedabad

AC ગાડી છોડી લોકોની જેમ રસ્તા પર ફરો તો ખબર પડે… AMC કમિશનરે તમામ અધિકારીઓને તતડાવ્યા

અમદાવાદમાં વકરતી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા, તેમજ અન્ય વહીવટી નિષ્ફળતાઓને લઈને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ડેપ્યુટી કમિશનરોને સીધી અને આકરા શબ્દોમાં ટકોર કરી હતી. અધિકારીઓની બેદરકારી અને આંકડાકીય માહિતીની ઊણપ જોઈને કમિશનર ભારે અકળાયા હતા.

કમિશનર પાનીએ ખાસ કરીને પાર્કિંગ અને કામગીરીની ધીમી ગતિ મુદ્દે અધિકારીઓને ખખડાવ્યા હતા. ડેપ્યુટી કમિશનરને ટકોર કરતાં તેમણે કહ્યું, ‘પાર્કિંગને લઈ સામાન્ય લોકોને કયા અને શું તકલીફ પડે છે તે જાણવા એ.સી. ગાડી છોડી શહેરના વિવિધ રોડ ઉપર સામાન્ય નાગરિકની જેમ ફરો તો સાચી પરિસ્થિતિનો તમને ખ્યાલ આવશે.’

પાર્કિંગ અંગે કોર્પોરેશન પાસે સોફ્ટવેર હોવાના ડેપ્યુટી કમિશનરના જવાબથી કમિશનર અકળાયા. તેમણે તમામ લોકો માટે એવું સોફ્ટવેર બનાવવા કહ્યું, જેમાં કયા વિસ્તારમાં ક્યાં પાર્કિંગ આવેલું છે, તેમાં કેટલા સ્લોટ ખાલી છે અને પાર્ક કરવાના દર શું છે તેની માહિતી મળી શકે.

અર્બન ડેવલપમેન્ટનો ડેટા રજૂ ન કરી શકતા અને માત્ર 20 ટકા કામગીરી પૂરી થઈ હોવાનો જવાબ આપતા કમિશનરે કહ્યું, ‘તમે 20 ટકા જ સેલેરી લો છો? સેલેરી પૂરી લો છો તો કામગીરી પણ 100 ટકા કરો.’

કમિશનરે શહેરની હોસ્પિટલો સામે પણ આકરા પગલાં લેવાનો આદેશ આપ્યો

એસ્ટેટ ઓફિસરને સવાલ કરતાં જાણવા મળ્યું કે વર્ષો જૂના બિલ્ડિંગમાં ચાલતી 20 કે તેથી વધુ બેડ ધરાવતી હોસ્પિટલો પાસે BU (બિલ્ડિંગ યુઝ) પરમીશન નથી. કમિશનરે ફાયર વિભાગ અને એસ્ટેટ વિભાગની સંયુક્ત કામગીરી કરી જે હોસ્પિટલો પાસે BU પરમીશન કે ફાયર NOC ન હોય તેને સીલ કરવાની તાત્કાલિક સૂચના આપી.

નવા ફાયર સ્ટેશન અને ડ્રેનેજની ફરિયાદ

નવા ફાયર સ્ટેશન બનાવવાના મુદ્દે ડેપ્યુટી કમિશનર ફાયર વિભાગે પ્લોટના પઝેશન ન મળવાની વાત કરતાં કમિશનરે એસ્ટેટ વિભાગની મદદ લઈને દબાણો દૂર કરવા અને તાત્કાલિક નવા ફાયર સ્ટેશન બનાવવાનું શરૂ કરવા કહ્યું હતું.

ઉત્તર ઝોનમાં ડ્રેનેજ બેક મારવાની વધતી ફરિયાદોને લઈ ઝોનના ડેપ્યુટી કમિશનરને સ્થળ ઉપર જઈ લોકોને ડ્રેનેજ લાઈનમાં ગોદડા કે રૂ જેવો કચરો ન નાંખવા સમજાવવા આદેશ આપ્યો. કમિશનરની આ બેઠકથી AMCના વહીવટી તંત્રમાં ગરમાવો આવ્યો છે અને અધિકારીઓને પોતાની કામગીરી સુધારવા માટે કડક સંદેશ મળી ગયો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button