Top In Ahmedabad

 અમદાવાદના ચકચારી ઈસ્કોન બ્રિજ કેસમાં તથ્ય પટેલ ‘આઝાદ’, સુપ્રીમ કોર્ટે આપ્યાં નિયમિત જામીન

અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટે નિયમિત જામીન મંજૂર કર્યા છે. તથ્યના વકીલે આ મામલે પુષ્ટિ કરતાં જણાવ્યું કે, લગભગ પોણા ત્રણ વર્ષ બાદ તથ્ય પટેલ જેલમાંથી નિયમિત જામીન પર બહાર આવશે. અગાઉ સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી મહિનામાં ટ્રાયલ કોર્ટને મે મહિનાની અંદર 25 સાક્ષીઓની તપાસ પૂર્ણ કરવા સૂચના આપી હતી. નોંધનીય છે કે, 18 નવેમ્બર 2025ના રોજ તથ્ય પટેલ સામે ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યા હતા.

અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી થઈ હતી. તથ્ય પટેલ તરફથી વકીલ આઈ.એચ. સૈયદ અને ઝીલ શાહે દલીલ રજૂ કરતાં જણાવ્યું હતું કે કેસમાં કુલ 191 સાક્ષી પૈકી અંદાજે 29 આંખે દેખ્યા સાક્ષીઓની તપાસ પૂર્ણ થઈ ચૂકી છે, જ્યારે બાકીના સાક્ષીઓની તપાસ હજી બાકી છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે તથ્ય સામે IPC કલમ 304 હેઠળ ગુનો નોંધાયો છે, પરંતુ હજુ સુધી તેને દોષિત જાહેર કરવામાં આવ્યો નથી. સાથે જ કોર્ટે એ પણ ધ્યાનમાં લીધું કે તથ્ય પટેલ છેલ્લા લગભગ 2 વર્ષ અને 10 મહિનાથી જેલમાં છે.

મૃતકોના પરિવારજનોને વળતર આપવા અંગેની માંગ પર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે હાલ ટ્રાયલ ચાલી રહી હોવાથી વળતર અંગે કોઈ નિર્ણય લેવો યોગ્ય નહીં ગણાય, કારણ કે તે કેસની કાર્યવાહી પર અસર કરી શકે છે. બીજી તરફ, તથ્ય પટેલ સામે પોલીસે ઘટના બાદ માત્ર 7 દિવસમાં 1684 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. પોલીસે IPCની કલમ 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 તેમજ મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

ચાર્જશીટ મુજબ અકસ્માતમાં 9 લોકોનાં મોત થયા હતા અને 12 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી એક વ્યક્તિ હજુ કોમામાં હોવાનું જણાવાયું છે. તપાસ દરમિયાન કુલ 14 દસ્તાવેજી પુરાવા, 9 પોસ્ટમોર્ટમ રિપોર્ટ, 15 FSL રિપોર્ટ અને 191 સાક્ષીઓના નિવેદનો રજૂ કરાયા હતા. CRPC 164 મુજબ 8 લોકોનાં મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવામાં આવ્યા હતા, જેમાં અકસ્માત સમયે તથ્યની કારમાં હાજર તેના 5 મિત્રોનો પણ સમાવેશ થાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button