અમદાવાદના નારણપુરા લાડલી ચાર રસ્તા પાસે અકસ્માત, એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે જ મોત


ગુજરાતમાં વધુ એક માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. જેમાં યુવાનનું કરૂણ મોત નિપજતા પરિવારમાં આક્રંદ છવાયો છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં લાડલી ચાર રસ્તા નજીક ગત મોડી રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવકનું કરૂણ મોત નિપજ્યું છે. મૃતક યુવકની ઓળખ 20 વર્ષીય વેદાંત મોદી તરીકે થઈ છે, જે થલતેજ વિસ્તારની નિકિતા પાર્ક સોસાયટીમાં રહેતો હતો.
મળતી માહિતી મુજબ, શનિવારે (13 ડિસેમ્બર) વેદાંત મોદી પોતાનું એક્ટિવા (નંબર: GJ 01 UA 5863) લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન, રાત્રે આશરે દસ વાગ્યાના આસપાસ લાડલી શોરૂમ સામે આવેલા ત્રણ રસ્તાથી લગભગ 50 મીટર આગળ પહોંચ્યો ત્યારે અદાણી CNG ગાસ્કેટ ગાડીના ચાલકે પૂરપાટ ઝડપે, બેદરકારીથી વાહન ચલાવીને વેદાંતના એક્ટિવા સાથે ભયંકર ટક્કર મારી હતી.
આ અકસ્માત એટલો ગંભીર હતો કે એક્ટિવા ચાલક વેદાંત મોદીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને ફરિયાદ દાખલ કરી છે.




