ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ


ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ઇન્દોરવાળી થઇ છે. માહિતી પ્રમાણે, ગાંધીનગરમાં પણ ઇન્દોર શહેરની જેમ દુષિત પાણી પીવાથી રોગચાળો ફાટી નીકળ્યો છે. દુષિત પાણી પીવાથી ગાંધીનગરમાં સેક્ટર 24, 26, 28 અને આદિવાડા વિસ્તારમાં ટાઇફૉઇડ ફેલાયો છે, 67 લોકો ટાઇફૉઇડનો ભાગ બન્યો છે, જેમાં 42 દર્દીઓ હૉસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે. રોગચાળાને પગલે આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ ગઇ છે, ઘરે ઘરે જઇને સર્વેની કામગીરી અને પીવાની પાઇપનું સમારકામ હાથ ધર્યુ છે.
દેશના સૌથી સ્વચ્છ શહેર ગણાતા ઇન્દોરની જેમ ગાંધીનગરમાં પણ દુષિત પાણી પીવાથી લોકો રોગચાળાનો ભાગ બન્યા છે. ઇન્દોરમાં દુષિત પાણી પીવાથી 15 લોકોના મોત થયા હતા, જ્યારે 2800 લોકો બીમારીની ઝપેટમાં આવ્યા હતા, હવે આ જ ઘટના ગાંધીનગરના શહેરના સેક્ટર 24, 26, 28, આદિવાડા વિસ્તારમાં ઘટી છે. અહીં દુષિત પાણી પીવાથી 67 લોકોને ટાઇફૉઇડ થયો છે, અને 42 જેટલા દર્દીઓ હૉસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે. જોકે, હજુ પણ ગાંધીનગરમાં દુષિત પાણી પીવા કારણે તાવ, પેટમાં દુખાવો, ઉલટીની ફરિયાદો મળી રહી છે. ઘટના બાદ આરોગ્ય વિભાગે 40 જેટલી ટીમો બનાવીને ડૉર ટૂ ડૉર સર્વેલન્સ શરૂ કર્યુ છે. મહત્વનું છે કે, આ વિસ્તારોમાં પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ મળ્યા હતા, તેનું સમારકામની કામગીરી પણ હાથ ધરાઇ છે.
ઇન્દોરમાં 15 લોકોના દુષિત પાણી પીવાથી મોત થયા બાદ મામલો વધુ ઉગ્ર બન્યો છે, શાસક અને વિપક્ષ બન્ને સામ સામે આવ્યા છે. હવે આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકાર પર વાક્ પ્રહાર કર્યાં છે. એક્સ પર પોસ્ટ કરતા રાહુલ ગાંધીએ લખ્યું કે, ઇન્દોરમાં પાણી નહીં પરંતુ ઝેર વહેંચાયું અને તંત્ર કુંભકરણની ઊંઘમાં રહ્યું! ઈન્દોરના દરેક ઘરે માતમ છવાયો છે અને ભાજપ નેતાઓ અભિમાનીની જેમ નિવેદનો આપી રહ્યાં છે. જે ઘરોમાં મોત થયાં છે તે લોકોને સહાનુભૂતિની જરૂર હતી પરંતુ સરકાર ઘમંડ દેખાડી રહી છે. સ્થાનિકોએ વારંવાર ખરાબ પાણી મામલે ફરિયાદો કરી હતી, પરંતુ તંત્ર દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં ના આવી? ગટરનું પાણી પીવાના પાણીમાં કેવી રીતે ભળ્યું? સમયસર પાણી કેમ બંધ ન કરવામાં આવ્યું? જવાબદાર અધિકારીઓ અને રાજકારણીઓ સામે ક્યારે કાર્યવાહી થશે?




