બાંગ્લાદેશને ભારતમાં જ રમવી પડશે વર્લ્ડ કપ મેચ:ICCએ સ્થળ બદલવાની માગ ફગાવી


ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ની ટી-20 વર્લ્ડ કપના સ્થળ બદલવાની માંગને ફગાવી દીધી છે. ICC એ સ્પષ્ટ કર્યું છે કે બાંગ્લાદેશને તેની તમામ લીગ મેચો ભારતમાં જ રમવી પડશે, નહીં તો તેને પોતાના પોઈન્ટ ગુમાવવા પડશે.
BCB એ મુસ્તફિઝુર રહેમાનને IPL માંથી બહાર કર્યા પછી સુરક્ષા કારણોનો હવાલો આપતા ભારતમાં ટી-20 વર્લ્ડ કપની મેચો રમવાનો ઇનકાર કર્યો હતો અને ICC ને તેની મેચો શ્રીલંકામાં ખસેડવા અપીલ કરી હતી.
ન્યૂઝ એજન્સી ANI ના રિપોર્ટ અનુસાર મંગળવારે ICC અધ્યક્ષ જય શાહ અને કેટલાક અન્ય અધિકારીઓ મુંબઈમાં હાજર હતા. તેમણે પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના અધિકારીઓ સાથે ચર્ચા કરી અને ત્યારબાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ સાથે વાતચીત કરી.
ICC એ સ્પષ્ટપણે કહ્યું કે સ્થળમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં અને બાંગ્લાદેશને ભારતમાં જ વર્લ્ડ કપની મેચો રમવી પડશે, નહીં તો તેને પોઈન્ટ ગુમાવવા પડશે.
16 ડિસેમ્બરે IPL મિની ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ બાંગ્લાદેશી બોલર મુસ્તફિઝુર રહેમાનને 9.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ પછી બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યાના કારણે ભારતમાં મુસ્તફિઝુરનો વિરોધ થવા લાગ્યો. અત્યાર સુધી ત્યાં 6 હિંદુઓની હત્યા કરવામાં આવી છે. બાદમાં BCCI એ મુસ્તફિઝુરને IPL રમવાની મંજૂરી આપી ન હતી અને 3 જાન્યુઆરીએ KKR એ તેને રિલીઝ કરી દીધો.
KKR દ્વારા મુસ્તફિઝુરને રિલીઝ કર્યા પછી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ અને ત્યાંની સરકારે IPLના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો. સાથે જ ભારતમાં વર્લ્ડ કપ મેચ રમવાનો પણ ઇનકાર કર્યો અને ICCને સ્થળ બદલવા માટે ઈ-મેલ મોકલ્યો.
ટી-20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશને ગ્રુપ-સીમાં રાખવામાં આવ્યું છે. ટીમ 7 ફેબ્રુઆરીએ વેસ્ટ ઈન્ડિઝ, 9 ફેબ્રુઆરીએ ઈટાલી અને 14 ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ સામે ટકરાશે. ત્રણેય મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાવાની છે. જ્યારે ટીમનો છેલ્લો ગ્રુપ સ્ટેજ મેચ 17 ફેબ્રુઆરીએ મુંબઈમાં નેપાળ સામે થશે.
પાકિસ્તાન પણ ભારતમાં નહીં રમે
T-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન પહેલાથી જ પોતાની મેચો શ્રીલંકામાં શિફ્ટ કરી ચૂક્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજકીય વિવાદોને કારણે બંને ટીમો એકબીજાના દેશમાં ક્રિકેટ રમતી નથી.
ભારતે ગયા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો પાકિસ્તાનમાં રમી ન હતી. હવે પાકિસ્તાન પણ ભારતમાં T-20 વર્લ્ડ કપની મેચો નહીં રમે. એટલું જ નહીં, ભારત-પાકિસ્તાન મેચ પણ શ્રીલંકાના કોલંબોમાં રમાશે.




