ઉત્તરાયણ પર્વમાં રંગબેરંગી પતંગોથી રંગાયું આકાશ, લાઉડ-સ્પીકર પર પ્રતિબંધ


આજે સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણ પર્વ ઉત્સાહપૂર્વક ઉજવાઈ રહ્યો છે. પતંગોત્સવની મજા સાથે સાથે લોકોની સુરક્ષા, જાહેર વ્યવસ્થા અને પર્યાવરણની રક્ષા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ શહેરમાં 12 જાન્યુઆરી 2026 થી 21 જાન્યુઆરી 2026 સુધી કુલ દસ દિવસ માટે કેટલાક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.
જાહેર સલામતી માટે લગાવવામાં આવેલા મુખ્ય પ્રતિબંધો
જાહેર રસ્તા, ફૂટપાથ અથવા જોખમી ધાબાઓ પર પતંગ ઉડાડવા પર પ્રતિબંધ રહેશે.
લોકોને ત્રાસ થાય તે રીતે ઉંચા અવાજે લાઉડસ્પીકર વગાડવા મંજૂરી નથી.
પતંગ પર ઉશ્કેરણીજનક, અપમાનજનક કે લાગણી દુભાવતું લખાણ લખીને પતંગ ઉડાડવા નહીં.
કપાયેલા પતંગ કે દોરી મેળવવા માટે લાંબા વાંસ, લોખંડના તાર કે ઝંડા લઈને રસ્તા પર દોડાદોડી કરવી મનાઈ છે.
ટેલીફોન અથવા વીજળીના તાર પર વાંસડા કે ધાતુના તાર નાખીને પતંગ કે દોરી કાઢવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે, કારણ કે તે ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે.
જાહેરમાં ઘાસચારાનું વેચાણ અને પશુઓને ખવડાવવા પર પ્રતિબંધ
જાહેર રસ્તાઓ પર ગાયો અથવા અન્ય પશુઓને ઘાસચારો નાખવાથી ટ્રાફિક અવરોધ અને અકસ્માતની શક્યતા વધે છે. આ કારણે:
જાહેર સ્થળોએ ઘાસચારાનું વેચાણ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સામાન્ય નાગરિકો દ્વારા જાહેર રસ્તા પર પશુઓને ઘાસચારો ખવડાવવો પણ મનાઈ છે.
લોકોની સલામતી અને પક્ષીઓના સંરક્ષણ માટે નીચેની વસ્તુઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ચાઈનીઝ દોરી અને ખતરનાક સામગ્રી પર કડક પ્રતિબંધ
ચાઈનીઝ માંઝા, નાયલોન દોરી, પ્લાસ્ટિક અથવા ગ્લાસ કોટેડ દોરીનું ઉત્પાદન, વેચાણ, ખરીદી અને વપરાશ.
ચાઈનીઝ લોન્ચર, ચાઈનીઝ તુક્કલ, સ્કાય લેન્ટર્ન તથા ચાઈનીઝ લેન્ટર્નનો ઉપયોગ.
ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે આવી પ્રતિબંધિત વસ્તુઓની ખરીદી કે વેચાણ.
કઈ દોરી વાપરી શકાશે?
લોકો પરંપરાગત રીતે બનેલી કોટન (સૂતરની) દોરી નો ઉપયોગ કરી શકશે, પરંતુ તે ચોક્કસ નિયમો અનુસાર હોવી જરૂરી છે
દોરી બાયો-ડીગ્રેડેબલ હોવી જોઈએ.
કોટનના દોરા પર ગ્લાસ પાવડરનું પ્રમાણ ખૂબ જ ઓછું અને નિયંત્રિત હોવું જોઈએ.
ચોખાના લોટ, મેંદો, કુદરતી ગુંદર અને છોડ આધારિત ઘટકોનો ઉપયોગ કરીને બનાવેલ પરંપરાગત માંજો જ માન્ય રહેશે.
દોરી સરળતાથી તૂટી શકે તેવી હોવી જોઈએ અને વધારે તીખી ન હોવી જોઈએ.




