Business

Budget 2026: સરકારને ક્યાંથી થાય છે કમાણી અને ક્યાં કરે છે ખર્ચ?

2026ના બજેટને હવે થોડા જ દિવસો બાકી છે. દર વર્ષની જેમ જનતાથી લઈને વેપારી સમુદાય સુધી દરેક વ્યક્તિ આતુરતાથી જોઈ રહ્યા છે. કર રાહત આપવામા આવશે કે નહીં, નવી યોજનાઓ રજૂ કરવામાં આવશે કે હાલની યોજનાઓનો વ્યાપ વધારવામાં આવશે, શિક્ષણ અને આરોગ્ય પર કેટલો ખર્ચ કરવામાં આવશે, આ બધા પ્રશ્નો બજેટ પહેલાં ચર્ચા કરવામાં આવે છે. પરંતુ આ બધા વચ્ચે એક પ્રશ્ન વારંવાર ઉદ્ભવે છે. સરકારને આટલા પૈસા ક્યાંથી મળે છે અને આ રૂપિયાને તે ક્યાં ખર્ચ કરે છે? ચાલો આજે સમજાવીએ કે સરકાર બજેટ માટે પૈસા ક્યાંથી મેળવે છે અને તે કેવી રીતે કમાય છે.

સરકારી આવકના સ્ત્રોત

સરકાર પાસે આવતો દરેક રૂપિયો ઘણા જુદા જુદા સ્ત્રોતોમાંથી આવે છે. સામાન્ય ધારણા છે કે સરકાર તેના ભંડોળનો મોટાભાગનો ભાગ કરમાંથી મેળવે છે, પરંતુ આ સાચું નથી. સરકારના ભંડોળનો મોટાભાગનો ભાગ ઉધાર અને અન્ય પ્રાપ્તિઓમાંથી આવે છે. કુલ સરકારી આવકનો લગભગ 24 ટકા ભાગ દેવા અને અન્ય જવાબદારીઓમાંથી ઉત્પન્ન થાય છે. આનો અર્થ એ છે કે સરકાર તેના ખર્ચને પહોંચી વળવા માટે બજારમાંથી પણ ઉધાર લે છે. આવકવેરો બીજો સૌથી મોટો સ્ત્રોત છે, જે આવકના લગભગ 22 ટકા ફાળો આપે છે. GSTમાંથી સરકારને આશરે 18 ટકા કમાણી થાય છે જ્યારે કોર્પોરેટ ટેક્સમાંથી 17 ટકાની કમાણી થાય છે. વધુમાં એક્સાઇઝ ડ્યુટી 5 ટકા, કસ્ટમ્સ ડ્યુટી 4 ટકા અને નોન-ટેક્સ રેવન્યુ લગભગ 9 ટકા ફાળો આપે છે. નોન ડેટ કેપિટલ રિસીટ્સ જેવા ડિસઇન્વેસ્ટમેન્ટ એસેટ મોનેટાઈઝેશનનો હિસ્સો સૌથી ઓછો રહે છે જે લગભગ એક ટકા ફાળો આપે છે.કરને સરકારી આવકનો સૌથી મજબૂત આધારસ્તંભ માનવામાં આવે છે. બે પ્રકારના કર છે: પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષ કરમાં ઈન્કમટેક્સ અને કોર્પોરેટ ટેક્સનો સમાવેશ થાય છે, જે સીધી વ્યક્તિઓ અથવા કંપનીઓની આવક પર લાદવામાં આવે છે. પરોક્ષ કર માલ અને સેવાઓ પર લાદવામાં આવે છે, જેમાંથી GST સૌથી મહત્વપૂર્ણ ઉદાહરણ છે. પેટ્રોલ અને ડીઝલ જેવા ઉત્પાદનો પર એક્સાઇઝ ડ્યુટી પણ સરકારી આવકમાં ફાળો આપે છે.

કર ઉપરાંત સરકાર નોન-ટેક્સ રેવન્યુમાંથી પણ કમાણી કરે છે. આમાં સરકારી સેવાઓ માટેની ફી, દંડ, લાયસન્સ ફી અને જાહેર ક્ષેત્રની કંપનીઓ પાસેથી ડિવિડન્ડનો સમાવેશ થાય છે. સરકાર કુદરતી સંસાધનોની હરાજીમાંથી પણ આવક મેળવે છે. જ્યારે આવક ખર્ચ કરતાં ઓછી થાય છે, ત્યારે સરકાર ઉધારમાં રૂપિયા લે છે. આમાં સરકારી બોન્ડ, નાની બચત યોજનાઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી લોનનો સમાવેશ થાય છે. કેટલાક કિસ્સાઓમાં સરકારી કંપનીઓમાં હિસ્સો વેચીને પણ ભંડોળ એકત્ર કરવામાં આવે છે.

હવે સરકારી ખર્ચની વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા ખર્ચવામાં આવતા દરેક રૂપિયાનો સૌથી મોટો હિસ્સો રાજ્યોને ટ્રાન્સફર કરવામાં આવે છે. 30 ટકા રાજ્યોને કર અને અન્ય વસ્તુઓ દ્વારા જાય છે. બીજો સૌથી મોટો ખર્ચ જૂના દેવા પર વ્યાજ ચૂકવણીનો છે, જે કુલ ખર્ચના આશરે 20 ટકા છે. આ ફરજિયાત ખર્ચ માનવામાં આવે છે, જેને સરકાર ઈચ્છે તો પણ ઘટાડી શકતી નથી. દરમિયાન કેન્દ્ર સરકાર પોતાની યોજનાઓ પર આશરે 16 ટકા, કેન્દ્ર દ્વારા પ્રાયોજિત યોજનાઓ પર 8 ટકા અને સંરક્ષણ પર 8 ટકા ખર્ચ કરે છે. 6 ટકા સબસિડી પર, 4 ટકા પેન્શન પર અને લગભગ 8 ટકા અન્ય વસ્તુઓ પર ખર્ચવામાં આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button