‘લવ જેહાદ સાંસ્કૃતિક આક્રમણ છે, ચલાવી નહીં લેવાય’ – ભાગેડુ લગ્ન નોંધણીના નવા નિયમમાં સુધારો ગૃહમાં રજૂ


ગુજરાત વિધાનસભામાં આજે મહત્વનો મુદ્દો રજૂ કરવામાં આવ્યો હતો, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અત્યંત સંવેદનશીલ અને સામાજિક મહત્વ ધરાવતા નિર્ણય લગ્ન નોંધણીના મુદ્દાને લઇને મોટી જાહેરાત કરી હતી. રાજ્ય સરકાર ‘ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ-2006’ ના નિયમોમાં ધરખમ સુધારો રજૂ કર્યો હતો. આ સુધારો લાવવાનો હેતુ પ્રેમલગ્નના નામે થતી છેતરપિંડી રોકવાનો અને લગ્ન પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનો છે.
આજે વિધાનસભા ગૃહમાં ભાગેડુ લગ્ન નોંધણીના નવા નિયમોમાં સુધારો રજૂ કરવામાં આવ્યો હતો. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રજૂઆત કરતાં કહ્યું કે, નિયમ 44 અંતર્ગત નવા નિયમો આવશે. 30 દિવસ સુધી નિયમોમાં સૂચન કે વાંધા રજૂ કરી શકાશે. લગ્ન નોંધણી અંગે આરોગ્ય-પરિવાર કલ્યાણ વિભાગની વેબસાઈટ પર સૂચન કે વાંધા રજૂ કરી શકાશે, સાથે સાથે સૂચનો, વાંધા સાંભળવા માટે એક કમિટી પણ બનાવાઈ છે. પ્રેમ એ દુનિયા સૌથી મોટો પવિત્ર સંબંધ છે, જેથી કરીને આ પવિત્ર પ્રેમના સંબંધને છળ, કપટથી બદનામ કરવાનો પ્રયાસ કરશે તો સરકાર છોડશે નહીં. પ્રેમના નામે પરિવારને બરબાદ કરવાનું કામ કરશે એવા તત્વોને છોડવામાં નહીં આવે. હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, લગ્નમાં છળ કપટ કરનારાઓના એવો હાલ કરીશું કે જીવનમાં કોઈ દીકરી સામે આંખ ઉંચી કરીને નહીં જોઈ શકે. ભોળી દીકરીને સલીમ સુરેશ બનીને લાગણીને ઠેસ પહોંચાડશે તો ખેર નહીં.
લગ્ન નોંધણી સુધારા અંગે બોલતા હર્ષ સંઘવીએ ગૃહમાં જણાવ્યું કે, લગ્ન પવિત્ર પરંપરા છે. લગ્નની પવિત્ર પરંપરામાં છળ, કપટ ભળે ત્યારે અનેક પરિવાર બરબાદ થાય છે. સીતાજીનું હરણ કરવા રાવણ સાધુના વેશમાં આવ્યો હતો. લવ જેહાદ સાંસ્કૃતિક આક્રમણ છે. ભારતની પરંપરા બચાવવા સુરક્ષાચક્ર તૈયાર કરી રહ્યા છીએ. ભોળી દીકરીને સલીમ સુરેશ બનીને લાગણીની ઠેસ પહોંચાડશે તો ખેર નહીં. લાખો માતા-પિતાની વેદના સરકારે ગંભીરતાથી ધ્યાને લીધી છે. લેભાગુ, ટપોરીઓ દીકરીને ટાર્ગેટ કરીને જીવન બગાડે છે. અસામાજિક તત્વોનો સાથ આપનારા અધિકારીઓને સામે કડકાઈપૂર્વક પગલા લેવાશે, એટલુ જ નહીં અસામાજિક તત્વોને સાથ આપનારા અધિકારીઓને જેલના સળિયા પાછળ ધકેલાશે.
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દીકરીઓના પ્રેમલગ્ન અને ત્યારબાદ પરિવારોમાં સર્જાતી પીડા અંગે સામાજિક આંદોલનો ચાલી રહ્યા હતા. ખાસ કરીને પાટીદાર સમાજ અને અન્ય ક્ષત્રિય-ઠાકોર સમાજની સંસ્થાઓએ લાંબા સમયથી માંગ કરી હતી કે લગ્ન નોંધણી વખતે માતા-પિતાની સહી ફરજિયાત હોવી જોઈએ. લગ્ન જે તે સ્થાનિક વિસ્તાર (ગામ કે તાલુકા) માં જ નોંધવા જોઈએ. આ સુધારો માત્ર કાયદાકીય પ્રક્રિયા નથી, પરંતુ ગુજરાતના સામાજિક તાણાવાણાને સુરક્ષિત રાખવાનો પ્રયાસ છે. હવે જોવાનું એ રહેશે કે 30 દિવસમાં આવનારા સૂચનો બાદ સરકાર ‘માતા-પિતાની સંમતિ’ ના કયા સ્તરને કાયદાકીય સ્વરૂપ આપે છે.




