GUJARAT

સાળંગપુરમાં હનુમાન જયંતિ ઉત્સવની ધામધૂમ, બલૂન ડ્રોપિંગથી ઉજવણીનો પ્રારંભ

સાળંગપુરના પ્રખ્યાત કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ ભક્તિ, ભવ્યતા અને આધ્યાત્મિક ઉર્જાનો અનોખો મહોત્સવ જોવા મળ્યો હતો. મંદિર પરિસરમાં યોજાયેલા લાઈટ એન્ડ સાઉન્ડ શોએ સમગ્ર વાતાવરણને મંત્રમુગ્ધ બનાવી દીધું હતું. 1 અને 2 એપ્રિલ એમ 2 દિવસ ચાલનારા આ ઉત્સાહ સમારોહમાં હજારો ભક્તોએ ભાગ લીધો છે અને આજે પણ વહેલી સવારથી જ ભક્તોની ભારે સંખ્યામાં ભીડ આ મંદિરે જોવા મળી રહી છે. હનુમાન જયંતીના પાવન પર્વ નિમિત્તે રંગબેરંગી લાઈટો અને સંગીતના સંયોજનથી 54 ફૂટ ઊંચી “કિંગ ઓફ સારંગપુર” હનુમાનજીની પ્રતિમા આસપાસનું દૃશ્ય અલૌકિક બની ગયું હતું. આ કાર્યક્રમ પછી થયેલી ભવ્ય આતશબાજીએ આખા આકાશને ઝગમગાવી દીધું, જેને જોવા માટે હજારો ભક્તો ઉમટી પડ્યા હતા.

આ પ્રસંગે હનુમાનજીની વિશાળ પ્રતિમા સામે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડતાલના લાલજી મહારાજ, અનેક સાધુ-સંતો તેમજ હજારો હરિભક્તોએ હાજરી આપી હતી. આરતી દરમિયાન ભક્તિનો ઉત્સાહ અને આનંદનો માહોલ છવાઈ ગયો હતો. ભક્તોએ એકસાથે આરતી ગાઈને આધ્યાત્મિક એકતાનો અનોખો અનુભવ કર્યો હતો. લાઈટ શો અને આતશબાજીનો આનંદ માણતા ભક્તોએ આ પવિત્ર ક્ષણોને યાદગાર બનાવી દીધી હતી.

સાળંગપુર ધામમાં હનુમાન જયંતિના દિવસે વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું છે. સવારે 9 વાગ્યે 1 લાખ બલૂન ડ્રોપિંગ સાથે ઉજવણીનો પ્રારંભ થશે, જે સમગ્ર કાર્યક્રમને વધુ આકર્ષક બનાવશે. મંદિર પ્રાંગણમાં સમૂહ આરતીનું આયોજન કરવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લેશે. આ ઉપરાંત મહા અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં હજારો ભક્તોને પ્રસાદ રૂપે ભોજન આપવામાં આવશે.

જન્મોત્સવની ઉજવણીને વધુ વિશેષ બનાવવા માટે 151 કિલોની વિશાળ કેક કાપવાની પણ યોજના છે. જે ભક્તોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. આજના દિવસે લાખો ભક્તો સાળંગપુર પહોંચવાની શક્યતા છે. જેના કારણે સમગ્ર વિસ્તાર ભક્તિમય બનશે. સાળંગપુરમાં યોજાયેલ આ હનુમાન જયંતિ મહોત્સવ ભક્તિ અને ભવ્યતાનો અનોખો સંગમ બની રહ્યો છે. જ્યાં દરેક ભક્તને આધ્યાત્મિક આનંદનો અનુભવો થઈ રહ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button