અમદાવાદમાં શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ પત્નીની હત્યા કરીને કેમ કર્યો આપઘાત? કારણ સનસનીભર્યું


અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા જજીસ બંગલો રોડ પર સ્થિત NRI ટાવરમાં મોડી રાતે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. જેમાં માત્ર ભાવનગરના 2 મહિના પહેલા જ પરિણીત યુવકે તેની જ પત્નીને ગોળી મારીને તેની હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ હતી. વધુ મળતી માહિતી મુજબ આ યુવકનું નામ યશરાજ ગોહિલ છે અને તે પોતે ગુજરાત મેરિટાઇમ બોર્ડના ક્લાસ 1 ઓફિસર છે અને કોંગ્રેસના નેતા શક્તિ ગોહિલના ભત્રીજા છે. યશરાજના લગ્ન 2 મહિના પહેલા જ રાજેશ્વરી સાથે થયા હતા અને તેઓ વસ્ત્રાપુર ખાતે આવેલા NRI ટાવરમાં રહેતા હતા.
મળતી માહિતી મુજબ ભાવનગરના રહેવાસી યશરાજ ગોહિલ અને તેમની પત્ની રાજેશ્વરી ગોહિલ છેલ્લા બે મહિના પહેલા લગ્ન બંધનમાં બંધાયા હતા અને બંને NRI ટાવરમાં રહેતા હતા. બંને જણા ગઇકાલે સાંજે બહાર ગયા હતા અને મોડી રાતે ઘએ પાછા ફર્યા હતા. યશરાજે પહેલા તેની પત્ની રાજેશ્વરીને ગોળી મારી હતી અને ત્યારબાદ 108 ને ફોન કરીને જાણ કરી હતી, એક બાજુ 108 ની ટીમ બહાર નીકળી એટલે યશરાજે પોતાને પણ ગોળી મારી દીધી હતી. જ્યારે 108 ની ટીમ યશરાજના ઘરે પહોંચી ત્યારે રાજેશ્વરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈને જમીન પર ઢળી પડી હતી. ત્યારબાદ 108 ની ટીમે રાજેશ્વરીને મૃત જાહેર કરી હતી જે બાદ યશરાજે પણ આપઘાત કર્યો હતો.
બીજી મળતી પ્રાથમિક માહિતી મુજબ આપઘાત કરનાર યશરાજ ગોહિલ કોંગ્રેસના મોટા નેતા શક્તિસિંહ ગોહિલનો ભત્રીજો હોવાની વાત સામે આવી છે. આટલું જ નહિ પણ મૃતક યશરાજના પિતાનું 26 વર્ષ પહેલા અવસાન થયું હતું અને તેના માતાએ પુત્રી અને પુત્રને ઉછેરી બન્નેના લગ્ન કરાવ્યા હતા. યશરાજ પોતે ક્લાસ વન ઓફિસર હતો અને તેણે તેની પત્નીને ગોળી મારીને પોતે પણ જીવનનો અંત આણ્યો હતો.આ આખી ઘટનામાં મુખ્ય પ્રશ્ન એ છે કે યશરાજે કેમ આવું પગલું ભર્યું. તેની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે બંને જણા સાંજે બહારથી પરત ફર્યા બાદ બંને વચ્ચે કોઈ બાબતને લઈને બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલી ધીમે ધીમે ઉગ્ર બની હતી. એક સમયે આ બોલચાલી વધુ ઉગ્ર બનતા યશરાજે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ પણ નિવેદન આપ્યું છે.
આ ઘટના અંગે દુખ વ્યક્ત કરતાં કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ જણાવ્યું કે યશરાજ અને તેમના પત્ની અને યશરાજના માતા સાથે જ NRI ટાવરમાં રહેતા હતા. તેઓ ખૂબ સુખી અને ખુશ હતા. થોડા સમય પહેલા જ યશરાજના લગ્ન થયા હતા અને થોડો સમય પહેલા જ તેમણે પરીક્ષા પાસ કરીને મેરીટાઇમમાં ક્લાસ 1 ઓફિસર બન્યા હતા. યશરાજ એ સાથે UPSC પરીક્ષાની તૈયાર પણ કરી રહ્યા હતા. યશરાજને રિવોલ્વર અને સ્પીડમાં વેહિકલ ચલાવવાનો શોખ હતો. ગત સાંજે યશરાજ અને તેમના પત્ની બનેં વિદેશ જવાના હોઈ તેમના એક સંબંધીને ત્યાં મળીને પાછા ફર્યા હતા અને યશરાજની આદત મુજબ તે તેની રિવોલ્વર ફેરવી રહ્યો હતો અને અચાનક ફાયરિંગ થતાં તેની પત્ની રાજેશ્વરીને ગળાના ભાગે ગોળી વાગી હતી. આ ગોળી વાગતા જ યશરાજે તાત્કાલિક 108 ની ટીમને ઇન્ફોર્મ કર્યું હતું. 108 ની ટીમે આવીને રાજેશ્વરીને મૃત જાહેર કરતાં યશરાજને આ વાત નો આઘાત લાગ્યો હતો અને આ આઘાતમાં તેણે પોતાને પણ ગોળી મારી દીધી હતી.
બનાવની જાણ થતાં આસપાસના લોકો એકત્રિત થયા હતા. ઘટનાસ્થળે ઝોન-1 ડીસીપી, ક્રાઈમ બ્રાન્ચ અને વસ્ત્રાપુર પોલીસનો મોટો કાફલો પહોંચી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. હાલ NRI ટાવરને વધુ તપાસ માટે પોલીસ હસ્તક લેવાયો છે અને રહીશો સિવાય દરેકની એન્ટ્રીને બંધ કરી દેવાઈ છે. વસ્ત્રાપુર પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.




