GUJARAT

કચ્છના દરિયાકાંઠે ATSની મોટી કાર્યવાહી, 200 કરોડના ડ્રગ્સ સાથે કેટલાક શખ્સો ઝડપાયા

ભારતના સરહદી અને દરિયાઈ વિસ્તારોનો ઉપયોગ કરીને નશાનો કાળો કારોબાર ચલાવતા તત્વો વિરૂદ્ધ ગુજરાત પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓએ સર્જિકલ સ્ટ્રાઈક જેવી કડક કાર્યવાહી હાથ ધરી છે. એક ચોક્કસ અને ગુપ્ત ઇનપુટના આધારે, ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS), ભારતીય કોસ્ટગાર્ડ (Indian Coast Guard) અને સ્થાનિક સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમોએ સંયુક્ત રીતે કચ્છના દરિયામાં એક શંકાસ્પદ જહાજને આંતર્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન જહાજમાંથી આશરે ₹200 કરોડની કિંમતનું ડ્રગ્સ મળી આવતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાથમિક તપાસ અને સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, પકડાયેલો આ નશીલા પદાર્થોનો મોટો જથ્થો યુરોપના દેશોમાંથી વાયા સમુદ્ર માર્ગે ભારત તરફ લાવવામાં આવી રહ્યો હતો. આ ડ્રગ્સ સિન્ડિકેટ પાછળ કયા વૈશ્વિક માફિયાઓ સક્રિય છે, તેમજ આ જથ્થો ભારતમાં કોને ડિલિવર કરવાનો હતો અને સ્થાનિક સ્તરે આ નેટવર્કના તાર ક્યાં જોડાયેલા છે, તે દિશામાં સુરક્ષા એજન્સીઓએ ચક્રો ગતિમાન કર્યા છે.

ઓપરેશન દરમિયાન જહાજ પર સવાર કેટલાક શકમંદ શખ્સોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ તમામ શખ્સોની હાલ કોઈ અજ્ઞાત સ્થળે લઈ જઈને સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી આ મગાવાયેલા જથ્થાના અસલી માસ્ટરમાઇન્ડ સુધી પહોંચી શકાય. આ ચકચારી કેસ અને ઓપરેશનની ટેકનિકલ વિગતો આપવા માટે ગુજરાત ATS દ્વારા આજે બપોરે એક હાઈ-લેવલ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે, જેમાં ડ્રગ્સના ચોક્કસ વજન અને પકડાયેલા તસ્કરોની ઓળખ અંગે મોટા ખુલાસા થઈ શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button