20% ઇથેનોલવાળું પેટ્રોલ જ મળશે, સુપ્રીમ કોર્ટે વિકલ્પની માંગ કરતી અરજી ફગાવી


દેશભરમાં 20% ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ (E20)નું વેચાણ બંધ કરવા કે ઈથેનોલ ફ્રી પેટ્રોલનું પણ વેચાણ કરવાની જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ચીફ જસ્ટિસ બી.આર. ગવઈની અધ્યક્ષતા ધરાવતી બેન્ચે આ અરજી પર સુનાવણી કરતા કહ્યું હતું કે, ‘આ મુદ્દે હસ્તક્ષેપની કોઈ જરૂર નથી.’
આ અરજીમાં કહેવાયું હતું કે, દેશના કરોડો વાહન ચાલકોને એવા ફ્યૂલનો ઉપયોગ કરવા માટે મજબૂર કરાઈ રહ્યા છે, જે તેમના વાહનના એન્જિન માટે છે જ નહીં. અમે ઈથેનોલ ધરાવતું પેટ્રોલ હટાવવાની માંગ નથી કરતા, પરંતુ ગ્રાહકોને ઈથેનોલ વિનાના પેટ્રોલ પર પણ વિકલ્પ મળે તેવી માગ કરીએ છીએ.
આ અરજીમાં તમામ પેટ્રોલ પંપ પર ઈથેનોલ મુક્ત પેટ્રોલ મળી શકે એવી વ્યવસ્થા કરવાનો, ઈથેનોલ યુક્ત પેટ્રોલના સ્પષ્ટ લેબલ, ગ્રાહકોને વાહનની ફ્યૂલ કોમ્પેટિબિલિટીની માહિતી આપવાની તેમજ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 હેઠળ યોગ્ય એડવાઈઝરી જાહેર કરવાની માગ પણ કરાઈ હતી. જો કે, આ અરજી ફગાવતા એટર્ની જનરલ આર. વેંકટરમાનીએ કહ્યું હતું કે, ‘ઇથેનોલ બ્લેન્ડિંગથી શેરડીના ખેડૂતોને ઘણો લાભ થયો છે. તેથી આ માગ યોગ્ય નથી.’
30મી ઓગસ્ટ 2025ના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં ક્રૂડ કંપનીઓ, કાર કંપનીઓ, દારૂ ઉત્પાદક કંપનીઓ, ARAI અને iCAT જેવી પ્રમાણપત્ર એજન્સીઓ અને BIS જેવી નિયમનકારી સંસ્થાઓએ ભારતના ઈથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ અંગે ચર્ચા કરી હતી. ભારત સરકારના આ સંયુક્ત પ્રયાસથી કાર્બન ઉત્સર્જન ઘટાડવા, ક્રૂડ ઓઇલની આયાત ઘટાડવા, વિદેશી હૂંડિયામણ બચાવવા અને ખેડૂતોની આવક વધારવામાં મદદ મળી છે. પેનલે E20 પેટ્રોલ સંબંધિત ઘણી બાબતો સ્પષ્ટ કરતા કહ્યું કે, ‘ઓટોમોબાઈલ કંપનીઓ એવા વાહનો બનાવવા પર કામ કરી રહી છે જેનું એન્જિન E20 પેટ્રોલ પર સરળતાથી કામ કરી શકે.’




