રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી


રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવી દર્શન કર્યા હતાં. રાષ્ટ્રપતિએ ભગવાન સોમનાથ દાદાને દેશનાં નાગરિકોના જનકલ્યાણ અને સુખાકારી માટેની ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી .રાષ્ટ્રપતિએ ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના પ્રતીક સમા પ્રથમ જ્યોતિર્લિંગ સમક્ષ ગંગાજળ અર્પણ કર્યું હતું અને દિવ્ય વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે સોમેશ્વર મહાપૂજા કરી ધન્યતા અનુભવી હતી.
સોમનાથ મંદિર પરિસર ખાતે પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ પી.કે.લહેરી, ટ્રસ્ટી જે.ડી.પરમાર અને ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈએ રાષ્ટ્રપતિને આવકાર્યાં હતાં. રાષ્ટ્રપતિ સાથે તેમના દીકરી ઈતિશ્રી મુર્મૂ અને મહાનુભાવો જોડાયાં હતાં. ત્યારબાદ અખંડ ભારતના શિલ્પી અને સોમનાથ મહાદેવના મંદિરના જીર્ણોદ્ધારના સંકલ્પકર્તા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી તેમણે સરદાર સાહેબની ભાવવંદના કરી દેશ માટે કરેલા યોગદાનનું સ્મરણ કર્યું હતું.




