‘મહાકાલ મંદિર માટે 200 વર્ષ જૂની મસ્જિદ તોડી!’, મુસ્લિમ પક્ષે સુપ્રીમના દરવાજા ખખડાવ્યા


મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક મસ્જિદનો વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ઉજ્જૈનની તકિયા મસ્જિદ તોડવાના નિર્ણયને સમર્થન આપતા મધ્યપ્રદેશ હાઇકોર્ટના તાજેતરના નિર્ણયને પડકારતા દેશની સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરવામાં આવી છે. મસ્જિદમાં નમાજ પઢનારા તેર સ્થાનિક રહેવાસીઓએ આરોપ લગાવ્યો હતો કે, મધ્યપ્રદેશ સરકારે મહાકાલ મંદિર માટે પાર્કિંગ જગ્યા વધારવા માટે 200 વર્ષ જૂની મસ્જિદ તોડી પાડી હતી.
બાર એન્ડ બેન્ચના અહેવાલ મુજબ અરજદારોએ જણાવ્યું હતું કે, મસ્જિદને 1985 માં વકફ તરીકે સૂચિત કરવામાં આવી હતી અને આ વર્ષે જાન્યુઆરીમાં ગેરકાયદેસર અને મનસ્વી રીતે તોડી પાડવામાં આવે તે પહેલાં 200 વર્ષ સુધી તેનો ઉપયોગ થતો હતો. આ પ્રકારે આવી રીતે તોડી પાડવાથી પૂજા સ્થાનો (ખાસ જોગવાઈઓ) અધિનિયમ, 1991, વકફ અધિનિયમ, 1995 (હવે સંકલિત વકફ વ્યવસ્થાપન, સશક્તિકરણ, કાર્યક્ષમતા અને વિકાસ અધિનિયમ, 1995), અને જમીન સંપાદન, પુનર્વસન અધિનિયમ, 2013માં વાજબી વળતર અને પારદર્શિતાનો અધિકારનું ઉલ્લંઘન થાય છે. અરજીમાં તોડી પાડતા પહેલાં સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી જમીન સંપાદન પ્રક્રિયામાં અનિયમિતતાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
અરજદારોએ આરોપ લગાવ્યો છે કે, રાજ્ય સરકારે સંપાદનની ખોટી વાર્તા રજૂ કરીને ગેરકાયદેસર કબજેદારો અને અતિક્રમણ કરનારાઓને વળતર ચૂકવી દીધું. અરજદારોએ મસ્જિદ ફરીથી બાંધવા માટે મધ્યપ્રદેશ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. જોકે, પહેલા સિંગલ બેન્ચ અને પછી ડબલ બેન્ચે અરજી ફગાવી દીધી હતી. ત્યાર બાદ અરજદારોએ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યો છે.
અરજદારોએ વચગાળાની રાહત તરીકે સુપ્રીમ કોર્ટને હાઈકોર્ટના નિર્ણય સામે સ્ટે મૂકવાની વિનંતી કરી છે જેથી રાજ્ય સરકાર સ્થળ પર કોઈ બાંધકામ ન કરી શકે. આ ઉપરાંત મસ્જિદ તોડી પાડવાની નિષ્પક્ષ તપાસની પણ માંગ કરી છે.




