EMI ઘટવાની અને સસ્તી હોમ લોનની રાહ જોઈને બેઠેલા લોકોને ઝટકો, જાણો નવો રેપો રેટ કેટલો થયો


રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે નીતિગત દરોની જાહેરાત કરી જેમાં રેપો રેટને જે હતો એ જ એટલે કે યથાવત રાખવામાં આવ્યો છે. તેનો અર્થ એ થયો કે જો તમે ઈએમઆઈ ઘટવાની કે હજુ પણ સસ્તા વ્યાજ દરે લોન મળવાની રાહ જોઈને બેઠા હશો તો તમારે રાહ જોવાનો વારો આવશે.
હાલ બજારની જે સ્થિતિ જોવા મળી રહી છે તેના કારણે આરબીઆઈ દ્વારા રેપો રેટની જાહેરાત પર બધાનું ધ્યાન હતું. કદાચ રેપો રેટ હજુ ઘટાડવામાં આવે તેવી અપેક્ષા સેવાઈ રહી હતી. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાવાળા માહોલ છે. ભારતમાં પણ જો કે મોંઘવારી સંપૂર્ણ રીતે કાબૂમાં છે. મોંઘવારી દર 4 ટકાની આસપાસ છે એટલે તેનો અર્થ એ છે કે આપણી ઈન્ડસ્ટ્રી અને દેશ પર મોંઘવારીનો બહું ભાર નથી. કેન્દ્રીય બેંકની છ સભ્યોવાળી એમપીસીની બેઠક બુધવારે 4 ફેબ્રુઆરીથી ગવર્નર સંજય મલ્હોત્રાના નેતૃત્વમાં શરૂ થઈ હતી. જે નિર્ણયો લેવાયા તેની જાહેરાત આજે કરવામાં આવી. ગત MPC બેઠકમાં રેપોરેટમાં 25 બેસિસ પોઈન્ટ કટ કરીને 5.25 ટકા કરવામાં આવ્યો હતો. એસડીએફ દર 5 ટકા નક્કી કરાયો હતો અને એમએસએફ દર તથા બેંક દર 5.50 ટકા નક્કી કરાયો હતો. આજે જે જાહેરાત કરાઈ તે મુજબ આ રેપોરેટ યથાવત રાખવામાં આવ્યો છે એટલે કે 5.25 ટકા રેપો રેટ જ રહેશે.
નોંધનીય છે કે ફેબ્રુઆરી 2025 બાદ ગત બેઠકમાં જે રેટ કટ કરાયો તે સતત ચોથીવાર કરાયો હતો. વર્ષ 2025માં આરબીઆઆઈએ કુલ 125 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો.
ગવર્નર સંજય મલ્હોત્રાએ કહયું કે ભારતીય અર્થવ્યવસ્થા લચીલી છે. આરબીઆઈએ નાણાકીય વર્ષ 2025-26 માટે પોતાના ગ્રોથ અનુમાનને 7.3 ટકાથી વધારીને 7.4 ટકા કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે બજેટ 2026માં જાહેર કરવામાં આવેલા ઉપાયો વિકાસ માટે અનુકૂળ રહેશે. સ્વાભાવિક છે કે તમને પણ એ પ્રશ્ન થાય કે રેપો રેટ એટલે શું અને તેને લોન સાથે શું લેવાદેવા? તે ઘટવાથી તમારી લોન સસ્તી થાય અને વધવાથી લોન મોંઘી થાય તે કેવી રીતે શક્ય બનતું હશે? તો તમને જણાવી દઈએ કે રેપો રેટ એ એક એવો વ્યાજ દર છે જેના પર આરબીઆઈ અન્ય બેંકોને શોર્ટ ટર્મ લોન આપે છે. જ્યારે કોઈ બેંક પાસે કેશ ફ્લો ઓછો હોય અને તરત પૈસાની જરૂર હોય તો તે સરકારી સિક્યુરિટીઝ ગિરવે મૂકીને આરબીઆઈ પાસેથી પૈસા લે છે. આ પ્રોસેસને રી પર્ચેઝ એગ્રીમેન્ટ કે રેપો કહે છે. રેપો રેટ ફક્ત બેંકો માટે જ નહીં પરંતુ સમગ્ર દેશની અર્થવ્યવસ્થા માટે મહત્વનો છે. જેમાં ફેરફાર કરીને કેન્દ્રીય બેંક પૈસાની આપૂર્તિ, લિક્વિડિટી અને મોંઘવારીને કાબૂમાં કરે છે.




