જલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા, ગુરુદ્વારા બહાર થયો હતો હુમલો


પંજાબના જલંધરમાં આમ આદમી પાર્ટી (AAP)ના નેતા લકી ઓબેરોયની શુક્રવારે સવારે ગોળી મારી હત્યા કરવામાં આવી છે. મોડલ ટાઉન વિસ્તારમાં આવેલા એક ગુરુદ્વારા બહાર થયેલા હુમલામાં અજાણ્યા હુમલાખોરોએ ઓબેરોય પર તાબડતોબ ગોળીબાર કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા ઓબેરોયને તાત્કાલિક ફોર્ટિસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
મળતી માહિતી મુજબ, લકી ઓબેરોય પોતાની થાર કારમાં ગુરુદ્વારે આવ્યા હતા અને વાહન પાર્ક કરી રહ્યા હતા ત્યારે બે બાઈકસવાર હુમલાખોરોએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. AAP જલંધર કૅન્ટના ઇન્ચાર્જ રાજવિંદર થિયારાએ જણાવ્યું હતું કે ઓબેરોય દરરોજ ગુરુદ્વારા જતા હોવાથી હુમલાખોરોને તેમની રૂટિનની સંપૂર્ણ જાણકારી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરોએ આશરે 16 જેટલી ગોળીઓ ચલાવી હતી, જેમાંથી પાંચ ગોળીઓ લકી ઓબેરોયને લાગી હતી. ઘટનાના પગલે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.




