Top In Ahmedabad

”ગેટ બહાર એક્ટિવા વાળા…”, ડ્રાઈવિંગ ટેસ્ટમાં ફેઈલ અરજદારોને છેતરતા એજન્ટો ફરી વિવાદમાં

 અમદાવાદ RTOમાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા આવતા અરજદારો સાથે ખુલ્લી લૂંટ ચાલી રહી હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. ખાસ કરીને ડ્રાયવિંગ ટેસ્ટમાં ફેલ થતા ઉમેદવારોને એજન્ટો અને ત્રાહિત વ્યક્તિઓ દ્વારા ટાર્ગેટ બનાવીને મસમોટી રકમ ઉઘરાવવાની ફરિયાદો સામે આવી છે.

મળતી માહિતી મુજબ ડ્રાઇવિંગ ટેસ્ટમાં નિષ્ફળ ગયેલા અરજદારોને RTO ઓફિસની બહાર જ રોડ પર જ રોકીને એજન્ટો પાકું લાયસન્સ બનાવી આપવાની લાલચ આપે છે. આ એજન્ટો RTO ની બહાર જ ઊભા હોય છે અને જે કોઈ અરજદાર ફેલ થયું છે તેવી જાણ થાય કે તરત તેનો ફાયદો ઉઠાવવા માંગે છે અને ત્યારબાદ તેઓ 6 હજારથી 8 હજાર રૂપિયા સુધીનો ચાર્જ વસૂલે છે. પરંતુ પૈસા લીધા બાદ એજન્ટો હાથમાં આવતા નાથી અને અરજદારોને કોઈપણ પ્રકારનું લાયસન્સ મળતું નથી.આ મામલે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 5 જેટલા અરજદારોએ અમદાવાદ RTOમાં છેતરપિંડીની સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ એજન્ટો RTO ગેટની બહાર ખુલ્લેઆમ બેઠા રહીને અરજદારોને ફસાવે છે અને પોતાને અધિકારીઓ સાથે જોડાયેલા હોવાનું બતાવી વિશ્વાસ જીતે છે.

પ્રભુભાઈ પટેલે આ અંગે જણાવ્યું કે

“ગેટની બહાર એક્ટિવ લઇને ઊભા રહે છે અને પૂછે છે તેમ ફેલ થયા છો? જો તમારે પાસ થવું હોય તો 6000 રૂપિયા આપો તો તમને પાસ કરવી દઈએ. બહાર ફરતા એજન્ટો વગર પરીક્ષાએ પાસ કરાવી આપવા કહે છે. “

અમદાવાદમાં લાયસન્સ મેળવવા માંગતા અનેક લોકો આ પ્રકારની ઠગાઈનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને ડ્રાયવિંગ ટેસ્ટમાં ફેલ થયેલા ઉમેદવારોને ફરી ટેસ્ટ આપવાનો ભય બતાવીને એજન્ટો સરળ રીતે પાકું લાયસન્સ અપાવવાની વાત કરે છે અને મોટી રકમ પડાવે છે.

આ અંગે RTO ના અધિકારીએ જણાવ્યું કે ,

” અમારી જાણમાં આવ્યું છે કે જે લોકો અંહિયા ટેસ્ટમાં ફેલ થાય છે તેમને અમુક ઇસમોની ટોળકી દ્વારા છેતરામણી લાલચ આપીને પૈસા લઈને પાસ કરવી દેવાની લાલચ આપવામાં આવે છે. આમાંના અમુક ઇસમો વિરુદ્ધ RTO દ્વારા રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. અને દરેકને નમ્ર વિનંતી છે કે કચેરીના નિયમો મુજબ જ ટેસ્ટ આપવી અને ફેલ થવા પર 7 દિવસ પછી ફરી પરીક્ષા માટે આવી શકાય છે. “

આ ઘટનાએ RTOની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થાઓ પર પણ ગંભીર સવાલ ઉભા કર્યા છે. RTO સંકુલ બહાર જ એજન્ટો છેતરપિંડી કરતા હોવાના આરોપ બાદ હવે પ્રશાસને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. અરજદારોનું કહેવું છે કે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો વધુ લોકો આવી ઠગાઈનો શિકાર બની શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button