અમદાવાદના આનંદનગરમાં શરમજનક ઘટના: PGમાં રહેતી કચ્છની યુવતી પર સિક્યુરિટી ગાર્ડે ગુજાર્યો બળાત્કાર


અમદાવાદ શહેરના પોશ ગણાતા આનંદનગર વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારો અને શરમજનક કિસ્સો સામે આવ્યો છે, જેણે મેટ્રો સિટીમાં એકલી રહીને અભ્યાસ કે નોકરી કરતી યુવતીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. અહીં એક PG (પેઇંગ ગેસ્ટ)માં રહેતી અને ઈન્ટિરિયર ડિઝાઈનિંગનો અભ્યાસ કરતી યુવતી સાથે સોસાયટીના જ સિક્યુરિટી ગાર્ડે હેવાનિયત આચરી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે તાત્કાલિક અલગ-અલગ 10 ટીમો બનાવી વહેલી સવારે જ નરાધમ આરોપીની ધરપકડ કરી લીધી છે.
મળતી માહિતી મુજબ, ભોગ બનનાર યુવતી રોજની જેમ ગઈકાલે રાત્રે પણ PGના ધાબા પર ચાલવા (વોક કરવા) ગઈ હતી. આ દરમિયાન સોસાયટીમાં નોકરી કરતો સિક્યુરિટી ગાર્ડ પણ છૂપાઈને ધાબા પર પહોંચી ગયો હતો. યુવતી એકલી હોવાનો લાભ ઉઠાવી નરાધમે પાછળથી આવી તેના ગળે વાયર બાંધી દીધો હતો. યુવતી પોતાની જાતને બચાવી ન શકે તે રીતે વાયરમાં ભેરવીને આરોપીએ તેની સાથે લગભગ એક કલાક સુધી દુષ્કર્મ આચર્યું હતું. આ ક્રૂર હુમલા બાદ ગંભીર હાલતમાં ભોગ બનનાર યુવતીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ભોગ બનનાર યુવતી મૂળ કચ્છની રહેવાસી છે અને અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં PG તરીકે રહે છે. ઘટનાના દિવસે ફ્લેટના ધાબા પર પરપ્રાંતિય સિક્યુરિટી ગાર્ડે યુવતીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આરોપી ગાર્ડે અંદાજે એક કલાક સુધી ધાબા પર યુવતી સાથે બળાત્કાર ગુજારીને હેવાનિયતની તમામ હદો વટાવી દીધી હતી.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપીનું નામ ધર્મસિંહ રામશંકરસિંહ છે અને તે મૂળ ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાનો વતની છે. ચોંકાવનારી વાત એ છે કે આરોપી ઘટનાના માત્ર છ થી સાત દિવસ પહેલાં જ આ સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરીએ જોડાયો હતો. રાત્રિના સમયે મોકો મળતા જ તેણે આ પાશવી કૃત્યને અંજામ આપ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ અને ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. સમગ્ર મામલે સ્થાનિક પોલીસ, LCB અને ક્રાઈમ બ્રાન્ચની કુલ 10 અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે વહેલી સવારે જ આરોપી ધર્મસિંહની ધરપકડ કરી લીધી છે.




