GUJARAT

નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો

શનિવારે રાત્રે જ્યારે લોકો આરામના મૂડમાં હતા, ત્યારે અચાનક ધરતી ધ્રૂજવા લાગી અને લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો. મહારાષ્ટ્રના નાશિકમાં આવેલા 4.3 ની તીવ્રતાના ભૂકંપની સીધી અસર છેક દક્ષિણ ગુજરાત સુધી જોવા મળી છે. આ ભૂકંપના કારણે ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા (ડાંગ) તેમજ નવસારીના વાંસદા સહિતના આસપાસના વિસ્તારોમાં 3.6 ની તીવ્રતાના આંચકા અનુભવાયા છે. અચાનક ધરા ધ્રૂજતા સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો અને ઘણા લોકો ઘરની બહાર પણ દોડી આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, નાશિકના કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં તો છેલ્લા થોડા દિવસોથી જ ભૂકંપના હળવા આંચકાઓ આવી રહ્યા હતા. પરંતુ, શનિવારે (8 ઓગસ્ટ) રાત્રે બરાબર 10:10 વાગ્યે નાશિકના શહેરી વિસ્તારોમાં પણ જોરદાર આંચકો અનુભવાયો. આ આંચકો એટલો તીવ્ર હતો કે ઘરમાં ગોઠવેલા વાસણો પણ નીચે પડવા લાગ્યા હતા. નાશિક શહેરના ઇન્દિરાનગર, પંચવટી, મેઈન રોડ, હીરાવાડી અને પાથર્ડી પાડા જેવા વિસ્તારોથી લઈને છેક કસારા ઘાટ અને રામશેઠ કિલ્લા સુધીના તમામ શહેરી તથા ગ્રામીણ વિસ્તારોમાં લોકોએ આ ધ્રુજારીનો અનુભવ કર્યો હતો. જોકે, જિલ્લા વહીવટીતંત્રે સ્પષ્ટતા કરી છે કે રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 4.3 નોંધાઈ છે, તેથી નાગરિકોએ બિલકુલ ગભરાવવાની જરૂર નથી.

નાશિકમાં આવેલી આ આફતની અસર પાડોશી રાજ્ય ગુજરાતમાં પણ થઈ. દક્ષિણ ગુજરાતના નવસારી અને ડાંગ જિલ્લામાં રાત્રે 10:10 વાગ્યે ધરતીકંપના આંચકા અનુભવાયા હતા.

સાપુતારા અને ડાંગ: ગુજરાતના પ્રખ્યાત પ્રવાસન સ્થળ સાપુતારા અને તેની આજુબાજુના વિસ્તારોમાં જમીનમાં કંપન અનુભવાયું હતું. સિસ્મોલોજી વિભાગના આંકડા મુજબ, અહીં નોંધાયેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 હતી.

વાંસદા (નવસારી): નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં પણ આ આંચકાની અસર જોવા મળી. ખાસ કરીને વાંસદા ટાઉન અને ત્યાં આવેલા ડેમની નજીકના ગામડાઓમાં લોકોએ આંચકો મહેસૂસ કર્યો હતો.

ક્યાં હતું ભૂકંપનું મુખ્ય કેન્દ્રબિંદુ?

ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રની સત્તાવાર વિગતો અનુસાર:

તીવ્રતા: દક્ષિણ ગુજરાતમાં 3.6 અને નાશિકમાં 4.3

સમય: શનિવારે રાત્રે 10:10 કલાકે

કેન્દ્રબિંદુ (એપિસેન્ટર): સાપુતારાથી 14 કિલોમીટર દૂર દક્ષિણ-પશ્ચિમ દિશામાં, મહારાષ્ટ્રની હદ (બોર્ડર) માં નોંધાયું છે.

ઊંડાઈ: જમીનની અંદર આ ભૂકંપની ઊંડાઈ 5.6 કિલોમીટર હોવાનું સામે આવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button