અમદાવાદમાં ઇન્ડિગોની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, સુરતથી દુબઇ જતા વિમાનના એન્જિનમાં ખામી સર્જાઇ


સુરતથી દુબઇ જતી ઇન્ડિગોની ફ્લાઇટનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. વિમાનના એન્જિનમાં ખામી સર્જાતા પાયલોટે અમદાવાદમાં ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે.
અમદાવાદમાં વધુ એક ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું છે. આ ફ્લાઈટ સુરતથી દુબઈ જઈ રહી હતી. જો કે, મધદરિયે તેના એન્જિનમાં કોઈ ખામી સર્જાતા પાઈલટે સમયસૂચકતા દાખવીને ફ્લાઇટને પાછી વાળીને ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાનો નિર્ણય લીધો હતો.
મળતી માહિતી અનુસાર,ઈન્ડિગો ફ્લાઈટના એન્જિનમાં ખામી સર્જાતા તેને અમદાવાદ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી જેના કારણે મોટી હોનારત થતા ટળી ગઈ હતી. હાલમાં આ મામલે ફ્લાઈટના લેન્ડિંગ બાદ તપાસ કરવામાં આવી રહી છે અને એન્જિનમાં ખામીનું કારણ શોધવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં અગાઉ એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થવાની ઘટનાને પગલે પહેલાથી જ લોકોના મનમાં આજે પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.




