‘પાયલટે જાણી જોઇને ફ્યૂલ સ્વિચ બંધ કરેલી’, ઈટાલીના મીડિયા રિપોર્ટમાં દાવો


અમદાવાદમાં એર ઇન્ડિયા ફ્લાઇટ ક્રેશની તપાસ કરેલી રહેલા ઇન્વેસ્ટીગેટર્સ એ તારણ પર પહોંચ્યા છે કે આ દુર્ઘટના કોઈ ટેકનિકલ ખરબીને કારણે નહીં, પરંતુ આ એક ‘જાણીજોઈને કરવામાં આવેલી હરકત’નું પરિણામ હતું. એક ઇટાલિયન દૈનિક અખબાર કોરીએર ડેલા સેરા (Corriere della Sera) એ નવી દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચે થયેલી તાજેતરની વાતચીતથી પરિચિત બે સ્ત્રોતોને ટાંકીને અહેવાલ આપ્યો છે. જોકે, DGCAનો સત્તાવાર રિપોર્ટ જારી થાય એ પહેલા કોઈ પણ નિષ્કર્ષ કાઢવો ઉતાવળ ગણાશે.
રિપોર્ટ પ્રમાણે, ઇન્ડિયન ઇન્વેસ્ટીગેટર્સ એ તારણ પર પહોંચ્યા કે 12 જૂન 2025ના રોજ એન્જિનના ફ્યુલ કટ-ઓફ પછી થયેલ દુર્ઘટના કોઈ મિકેનિકલ ખરાબીને કારણે નહીં, પણ જાણીજોઈને કરવામાં આવેલી હરકટના કારણે થઈ હતી. અધિકારીઓ હવે તેમનો ફાઇનલ રિપોર્ટનો ડ્રાફ્ટ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. અખબારમાં આગળ જણાવ્યું કે તપાસમાં મદદ કરી રહેલા યુએસ નિષ્ણાતોએ આ તારણોને ‘એક મોટી સફળતા’ ગણાવી છે.
એર ઇન્ડિયા બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાને અમદાવાદ એરપોર્ટથી ટેકઓફ કર્યું અને થોડીક જ સેકન્ડ્સ પછી ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં કુલ 260 લોકો માર્યા ગયા હતા, જેમાં મુસાફરો અને જે મેડિકલ કોલેજની હોસ્ટેલ પર વિમાન ક્રેશ થયું, તેમાં રહેતા સ્ટુડન્ટ્સ અને અન્ય લોકો પણ સામેલ છે. આ દુર્ઘટનામાં માત્ર એક જ મુસાફર બચી ગયો હતો.
જુલાઈ 2025માં ભારતના એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા બહાર પાડવામાં આવેલા એક પ્રારંભિક અહેવાલમાં એક પાઇલટના ફ્યુલ કંટ્રોલ બંધ કરવા વિશે છેલ્લી કોકપીટ વાતચીતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કોકપીટ વૉઇસ રેકોર્ડિંગમાં, એક પાઇલટ એવું પૂછતો સાંભળવામાં આવ્યો, “તમે ફ્યુલ કેમ બંધ કર્યું?” બીજાએ જવાબ આપ્યો – “મેં આવું નથી કર્યું.”
ઇટાલિયન અખબારે આ જ વાતનું પુનરાવર્તન કર્યું છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તપાસકર્તાઓ હવે માને છે કે એક પાઇલટે એન્જિન ફ્યુલ કંટ્રોલ સ્વિચ બંધ કરી દીધી હતી, જેનાથી એરક્રાફ્ટનો પાવર જતો રહ્યો અને તે જમીન પર પડી ગયું. કેપ્ટન સુમિત સભરવાલ પાઇલટ-ઇન-કમાન્ડ હતા, જ્યારે ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદર કો-પાઇલટ હતા. નવા રિપોર્ટમાં આગળ જણાવાયું છે કે, “જવાબદારી હજુ પણ સ્પષ્ટ નથી. મુખ્ય શંકાસ્પદ કેપ્ટન સુમિત સભરવાલ છે, જેમના વિશે દુર્ઘટના પછી એ વાત સામે આવી કે તેઓ ડિપ્રેશનથી પીડિત હતા.”
AAIBની પ્રારંભિક તપાસ બાદ, સભરવાલના પિતાએ આરોપોને નકારી કાઢ્યા, નવી તપાસની માંગ કરી અને તેમના પુત્રના માનસિક સ્વાસ્થ્ય વિશેની અટકળોને ફગાવી દીધી. તેમણે એ વાતનો ઇનકાર કર્યો કે છૂટાછેડાના અહેવાલો સહિત પર્સનલ મુદ્દાઓને કારણે તેને ડિપ્રેશન કે એંગ્ઝાઇટી થઈ.
કોરીએર ડેલા સેરાના જણાવ્યા મુજબ, ફાઇલ રિપોર્ટમાં પાઇલટ્સના સતત સાઇકોલોજિકલ ઇવેલ્યુએશન અને મેન્ટલ હેલ્થ મોનિટરિંગ પર સૂચનો પણ સામેલ હોવાની અપેક્ષા છે. દુર્ઘટનાના કેટલાક અઠવાડિયા પછી, ઘણી થિયરી સામે આવી, જેમાં ટેકનિકલ ખરાબીથી લઈને માનવ ભૂલ પણ સામેલ હતી. સમય સાથે ઇન્વેસ્ટિગેટરનું ધ્યાન કોકપીટમાં ફ્યુલ કંટ્રોલ સ્વિચ પર ગયું.
બ્લેક બોક્સ ડેટાના આધારે પ્રારંભિક ટેકનિકલ એસેસમેન્ટમાં મિકેનિકલ ખરાબીની વાતને નકારી કાઢવામાં આવી અને તેના બદલે એન્જિન ઇગ્નીશન અને શટડાઉનને નિયંત્રિત કરતી સ્વીચના મેન્યુઅલ મૂવમેન્ટ તરફ ઇશારો કરવામાં આવ્યો. તપાસમાં સામે આવ્યું હતું કે દુર્ઘટના સમયે વિમાનના બંને એન્જિન બંધ થઈ ગયા હતા.



