GUJARAT

ખેલૈયાઓના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, અંબાલાલની ગુજરાતમાં ગાજવીજ સાથે આગાહી, વાવાઝોડું પણ…!

નવરાત્રિમાં ખેલૈયાઓની તૈયારીઓ વચ્ચે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમણે કરેલી આગાહી પ્રમાણે, નવરાત્રિ દરમિયાન વરસાદ અને ગરમીનો માહોલ જોવા મળશે. નવરાત્રિની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે 25-26 સપ્ટેમ્બર આસપાસ વડોદરા તથા દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ત્યારબાદ 6ઠ્ઠા નોરતાથી લઈને દશેરા સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે. ખગોળીય પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતા તેમણે જણાવ્યું કે સૂર્ય ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે અને મંગળ તુલા રાશિમાં પ્રવેશ કરશે.

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, ગુજરાતમાં વરસાદની સંભાવના 14 સપ્ટેમ્બરથી જ શરૂ થઈ જશે. સૌરાષ્ટ્રમાં આજથી જ હળવા અને ભારે ઝાપટાં વરસવાની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાશે. 14 થી 22 સપ્ટેમ્બર વચ્ચે ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે. ખાસ કરીને 14 થી 16 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તથા રાજ્યના અન્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાંની સંભાવના છે.

અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, 17 થી 20 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં આ દરમિયાન 1 થી 4 ઈંચ સુધીનો વરસાદ પડવાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની સંભાવના છે.

અંબાલાલ પટેલે ખાસ જણાવ્યું કે વરસાદ જ્યાં ચઢશે ત્યાં પડશે એવી સ્થિતિ સર્જાશે. તેમણે જણાવ્યું કે નવરાત્રિ દરમિયાન વરસાદ સાથે ગરમીનો માહોલ પણ રહેશે. એટલે ખેલૈયાઓને ગરમી અને વરસાદ બંનેનો અનુભવ થઈ શકે છે.અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે કે 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ફરી ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડશે. ત્યારબાદ 10 થી 12 ઓક્ટોબર દરમિયાન પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે સપ્ટેમ્બરના અંતમાં ચોમાસાની વિદાય છતાં વરસાદ રહી શકે છે. ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button