રાજ્યના નવા મંત્રીમંડળનો આજે શપથ ગ્રહણ સમારોહ, 16 નવા ચહેરાઓને મળી શકે છે સ્થાન


ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આજે રાજ્યના નવા મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ સવારે 11:30 કલાકે યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. તો બીજી તરફ મહાત્મા મંદિર ખાતે શપથ સમારોહની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગઈકાલ મુખ્યમંત્રી અને રાજ્યપાલની મુલાકાતને છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી હતી. જોકે, આ મુલાકાત આજે સવારે 9 વાગ્યે કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, 16 ઓક્ટોબરના રોજ ભૂપેન્દ્ર પટેલ સરકારના તમામ 16 મંત્રીઓએ રાજીનામા આપી દીધા હતા. રાજીનામું આપનાર 4 કે 5 મંત્રીઓ રિપીટ થઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટીના ટોચના નેતૃત્વએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને વરિષ્ઠ નેતાઓ સાથે અંતિમ ચર્ચા કરી છે. નડ્ડાનો ગુજરાત પ્રવાસ પીએમ નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠકના થોડા દિવસો પછી થયો છે, જ્યાં ગૃહમંત્રી અમિત શાહ, સીઆર પાટીલ અને સીએમ પટેલે ફેરબદલ માટે રણનીતિ ઘડી હતી.
કોણ બની શકે છે મંત્રી
ભિલોડાના ધારાસભ્ય અને પૂર્વ સનદી અધિકારી પી.સી.બરંડાનો મંત્રીમંડળમાં સમાવેશ શક્ય છે. સૌરાષ્ટ્રની 47 પૈકી ભાજપ પાસે 42 બેઠક છે. સૌરાષ્ટ્રના સાતથી આઠ ધારાસભ્ય મંત્રી બનશે. સૌરાષ્ટ્રના ત્રણ લેઉવા અને એક કડવા પાટીદાર ધારાસભ્યનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે. કોળી સમાજના બે અને આહિર સમાજના એક ધારાસભ્યને મંત્રી બનાવાશે. સૌરાષ્ટ્રમાં SCના એક અને ક્ષત્રિય સમાજમાંથી એક ધારાસભ્યને મંત્રી બનાવાશે. કિરીટસિંહ રાણા, રિવાબા જાડેજાનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે.




