ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણ,અમદાવાદના આંગણે યોજાશે કોમનવેલ્થ ગેમ્સ 2030

ભારત કોમનવેલ્થ ગેમ્સ-2030નું આયોજન કરશે, આ નિર્ણય આજે લેવામાં આવ્યો છે. જેમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 અમદાવાદ શહેરમાં રમાશે. આજે ગ્લાસગોમાં રાષ્ટ્રમંડળ ગેમ્સની સામાન્ય સભામાં અમદાવાદની યજમાનીની ઔપચારિક જાહેરાત કરવામાં આવી છે.
ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ સ્પોર્ટ્સની જનરલ એસેમ્બલીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત જ 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની મેળવવા માટેનું એકમાત્ર દાવેદાર હતુ, જેના કારણે આજે આ અંગેની ઔપચારિક જાહેરાત કરવામાં આવી છે.
ભારતે આ પહેલા 2010માં દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું હતું. હવે અમદાવાદ દેશનું બીજું શહેર બનશે, જ્યાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થશે. જ્યાં એક દાયકામાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાને ઝડપથી વિકસિત કરવામાં આવ્યું છે.
આજની જનરલ એસેમ્બલીમાં કૉમનવેલ્થ સ્પોર્ટ્સ બોર્ડની તે ભલામણ પર મોહર લાગી, જે મૂલ્યાંકન સમિતિના રિપોર્ટના આધાર પર બનાવવામાં આવી હતી. સમિતિએ ટેકનિકલ ક્ષમતા, એથલીટ અનુભવ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગવર્નન્સ અને કોમનવેલ્થ સ્પોર્ટ વેલ્યૂના અનુરૂપ જેવા પેરામીટર જોયા હતા.
અમદાવાદમાં તૈયારીઓ તેજ
તાજેતરના મહિનાઓમાં અમદાવાદે કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ, એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપ અને AFC અંડર-17 એશિયન કપ ક્વોલિફાયર જેવી ઇવેન્ટ્સનું આયોજન કર્યું છે. ભવિષ્યમાં એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ, એશિયન પેરા-આર્ચરી કપ અને 2029 વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ પણ અહીં યોજાશે.
સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવમાં એક વિશાળ સંકુલ વિકસાવવામાં આવી રહ્યું છે, જેમાં વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ, એક્વેટિક્સ સેન્ટર, ફૂટબોલ સ્ટેડિયમ અને ઇન્ડોર એરેનાનો સમાવેશ થશે. આ સંકુલની અંદર 3,000 એથ્લેટ્સ માટે એક રમતવીરોનું ગામ પણ બનાવવામાં આવશે.
અમદાવાદની પસંદગી કેમ થઈ?
અગાઉ કોમનવેલ્થ ગેમ્સની એક્ઝીક્યુટિવ બોર્ડ દ્વારા અમદાવાદને યજમાની આપવા માટેના અનેક કારણો આપ્યા હતા. સમિતિએ વિવિધ માપદંડોના આધારે ઉમેદવાર શહેરોનું મૂલ્યાંકન કર્યું હતું. આ મૂલ્યાંકનમાં ટેકનિકલ વ્યવસ્થા, ખેલાડીઓનો અનુભવ, માળખાગત સુવિધાઓ, તંત્ર અને કોમનવેલ્થ ગેમ્સ વચ્ચેના સંબંધોના આધારે આ નિર્ણય લેવાયો છે.



